sardar vallabhbhai patel essay in gujarati | સરદાર પટેલ ના વિચારો નિબંધ

આજે આ૫ણે ભારતના વીર સપુત અને લોખંડી પુરુષ સરદાર ૫ટેલ વિશે (sardar vallabhbhai patel essay in gujarati ) ગુજરાતીમાં નિબંધ લેખન કરીશું. આશા રાખું છું આ નિબંધ તમને ખૂબ ઉ૫યોગી નિવડશે.

sardar vallabhbhai patel essay in gujarati

મુદ્દા:- પ્રસ્તાવના, બાળપણથી જ અન્યાય સામે લડત, ત્યાગની ભાવના, દાંપત્ય જીવન, ઉપસંહાર

“કાયમ આ કાયનાતમાં ઝગમગે એ જીંદગી,

આસમાન તુટી પડે પણ ના ડગે એ જીંદગી,

શાંત હોય આકાશ તો ઉડે પતંગો બેસુમાર, 

કિન્તુ આંધીઓમાં પણ ઝગમગે એ જીંદગી.”

          આજે આપણે એક એવા જીવનચરિત્રના સંસ્મરણો સિંચવા છે, કે જેઓ આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવ્યા કે આજે પણ એની બુલંદીઓ વર્તાય છે. આજે પણ આકાશમાં ધ્રુવના તારાની માફક અવિચળ છે. એક આદર્શ સત્યાગ્રહી , શ્વેત ક્રાંતિની ગંગોત્રી, ધૈર્યવાન, રાજપુરુષ, યુગપુરુષ, લોહપુરુષ, ભારતનાં ભાગ્ય વિધાતા, અખંડ ભારતનાં શિલ્પી – જેવા અગણિત વિશેષણોથી નવાજીયે તો શબ્દ પણ ઓછા પડે એવું “ઝવેર રત્ન” એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ.

          સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ભૂદરજી જોષી એ કહ્યુ છે….

      ” ગરવા નર ગુજરાતનાં, અને કરમસદ તણા વીર, 

     હરવા ભારતની ભીડ, જોરાવર જન્મ્યા ઝવેરના ઉર..”

     બહુ ઓછાં ને ખબર હશે કે 1857 નાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં  રાણી લક્ષ્મી બાઈ, મંગળ પાંડે, તાત્યા ટોપે સાથે સૌપ્રથમ જોડાવાની હિમ્મત કરી એ ગુજરાતનાં કરમસદ ગામનાં મુખી એટલે સરદાર વલ્લભભાઈ પટેલનાં પિતાશ્રી ઝવેરભાઈ પટેલ. કહેવાય છે ને કે સંસ્કારો હંમેશા ગળથૂથીમાંથી જ મળતાં હોય છે. વલ્લભભાઈનાં માતા લાડબાઈનાં જીવનની કરકસર અને સાદગી તેમજ પિતા ઝવેરભાઈની રાષ્ટ્ર પ્રીતિનો ત્રિવેણી સંગમ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ ને જીવનમાં કરકસર, અન્યાય સામે લડવાની હિમ્મત, લીડરશીપ, સાદગી, શિસ્ત, કર્તવ્યનીષ્ઠા જેવા વિચારો બાળપણ થી જ મળેલાં હતાં. આવા વલ્લભભાઈનાં અમુક બાળપણનાં પ્રસંગો જે બહુ ઓછાં પ્રચલિત છે, એની વાત આજે કરવી છે.

     વલ્લભભાઈ જ્યારે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતાં હતાં ત્યારે અગ્રવાલ નામના એક શિક્ષક હતાં.  એક દિવસ બન્યુ એવું કે શિક્ષક વર્ગખંડમાં મોડા આવ્યાં, એટલે વલ્લભભાઈ ગીતો ગાતા હતાં. જ્યારે શિક્ષક આવ્યાં અને જોયું કે વલ્લભભાઈ ગીતો ગાય છે, એટલે એમણે પુછ્યું કે કેમ ગીતો ગાતા હતાં ? તો વલ્લભભાઈએ જવાબ આપ્યો, કે તમે મોડા આવો એટલે અમારે શું બેસી રહેવાનું ? અમે ગીતો ગાઈને એક પ્રવૃતિ કરતાં હતાં. આ જવાબ સાંભળીને શિક્ષકે વલ્લભભાઈ ને સજા આપી, અને વર્ગખંડની બહાર મોકલ્યા.  તરત જ વલ્લભભાઈ એ બધાં વિદ્યાર્થીઓને ઈશારો કર્યો અને બધાં જ વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર નીકળી ગયાં.  આ વાત હેડ માસ્તર સુધી પહોચી, અને હેડ માસ્તરે વલ્લભભાઈ ને શિક્ષકની માફી માંગવાનું કહ્યુ. તો વલ્લભભાઈ એ કહ્યુ કે ભુલ શિક્ષક ની છે. એ વર્ગખંડમાં મોડા આવ્યાં હતાં, તો હું શા માટે માફી માંગુ ? નાનકડા એવાં વલ્લભભાઈનાં વિચારો બાળપણથી જ એવાં હતાં કે ક્યારેય અન્યાય સહન કરવો નહીં.

     બીજો એક કિસ્સો પણ શાળાનો જ છે. શાળામાં એક શિક્ષક બહુ જ આળસુ હતાં. વલ્લભભાઈ એ એક વખત કહ્યુ કે, સાહેબ કંઇક ભણાવો ને. તો શિક્ષકે તરત જ કહ્યુ કે “માંય માંય ભણો” – એટલે કે અંદર અંદર ભણો. બસ ત્યારથી વલ્લભભાઈ ને ગુરુ જ્ઞાન થઈ ગયું, કે કોઈ ગુરુ વગર મારે જ મારી જાતે અથવા તો મિત્રો પાસેથી શીખીને જીવન ઘડતર કરવું પડશે. મારે જીવનમાં કાંઇ પણ કરવું હશે તો જાતે જ કરવું પડશે. બસ આ જ ગુરુ મંત્રમાંથી સાદગી અને શિસ્તનાં વિચારો લઇને વલ્લભભાઈએ સ્વતંત્રતા ઝુંબેશ ચલાવી અને એકલા હાથે બધાં રજવાડાઓ એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. 

    વલ્લભભાઇની બાળપણથી એક ઇચ્છા હતી કે, તેમને વિદેશમાં જઇને વકીલાતનો અભ્યાસ કરવો છે. આ સપનું પુરુ કરવા માટે વલ્લભભાઈએ મહેનત કરી, મજૂરી કરી પૈસા ભેગા કરી અને લંડનથી બેરિસ્ટર થવા માટેની સ્કોલરશીપની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી એમને ખબર પડી કે એમનાં મોટા ભાઈ વિઠ્ઠલભાઇ પટેલની પણ ઇચ્છા હતી, લંડનથી અભ્યાસ કરી બેરિસ્ટર બનવાની. લંડનથી લેટર આવ્યો. એમા નામ લખ્યું હતુ, વી. ઝેડ. પટેલ. હવે બન્ને ભાઈઓનું ટૂંકું નામ તો એક જ થાય, વી. ઝેડ. પટેલ. આથી ભાઈનું સપનું પુરુ કરવા માટે વલ્લભભાઈએ એમનાં મોટા ભાઈ વિઠ્ઠલભાઇ ને અભ્યાસ માટે લંડન મોકલી દીધાં. આવા સમર્પણ અને ત્યાગના મૂર્તિ હતાં આપણાં સરદાર વલ્લભભાઇ પટેલ. 

    બીજી વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલના દામ્પત્ય જીવન વિશે. વલ્લભભાઇનાં પત્ની ઝવેરબેન. તે રામાયણની ઉર્મિલાની જેમ હંમેશા ઉપેક્ષાનું પાત્ર રહ્યાં છે. એમનાં વિશેનો પ્રેમ , સંવેદના, ગમો-અણગમો વલ્લભભાઈ એ ક્યારેય જાહેરમાં રજુ નથી કર્યો. વલ્લભભાઇનાં જીવનચરિત્રમાં ઝવેરબેનનો બહુ ખાસ ઉલ્લેખ નથી.  માત્ર આઠ વર્ષના દામ્પત્ય જીવનમાં વલ્લભભાઇ અને ઝવેરબેનને બે સંતાનો હતાં. અચાનક જ ઝવેરબેનની તબિયત લથડી અને મુંબઈની કામા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એમનાં આંતરડામાં ગાંઠ હોય છે, અને આંતરડાના ચાલુ ઓપેરશનમાં તેઓ મૃત્યુ પામે છે. એ જ સમયે વલ્લભભાઇ વકીલાત કરતાં હતાં, અને એ જ દિવસે કોર્ટમાં એક કેસ લડવાનો હતો. એક યુવાનને ખૂનના કેસમાંથી બચાવવાનો હતો. વલ્લભભાઇ પુરી લગનથી કેસ લડ્યા અને જીત્યાં પણ ખરાં. એ યુવાનને આજીવન કેદની સજામાંથી બચાવી લીધો. બધાં બહુ ખુશ હતાં, પરંતું કેસ જેવો પૂરો થયો કે વલ્લભભાઇ જમીન પર બેસીને જોરજોરથી રડવા લાગ્યા. કોઇએ પુછ્યું કે તમે કેમ રડો છો ? આ તો ખુશીની વાત છે કે તમે કેસ જીતી ગયા છો. ત્યારે વલ્લભભાઇએ ખિસ્સામાંથી કાગળ કાઢીને બતાવ્યો. એ કાગળ હતો, મુંબઈની કામા હોસ્પિટલમાંથી ઝવેરબેનનાં મૃત્યુના સમાચાર આપવા માટેનો. આ કાગળ કેસ શરૂ થાય, એ પહેલાનો આવ્યો હતો. પરંતુ વલ્લભભાઇ એ કહ્યુ કે આ આરોપી નિર્દોષ હતો. એને બચાવવો એ મારી ફરજ હતી. મારી પત્નીનું મૃત્યુ થયું એ મારું નસીબ, પણ આ યુવાનને બચાવવો એ મારુ કર્તવ્ય હતુ. તો મારા નસીબ માટે મારા કર્તવ્યને ઠેસ કેમ પહોંચાડી શકું.

    જ્યારે ઝવેરબેન વિદાય લે છે, ત્યારે વલ્લભભાઇની સાત વર્ષની દિકરી મણિબેન પૂછે છે, કે આમ સજી ને લાલ સાડી પહેરીને મારી બા ક્યાં જાય છે? એ ક્યારે પાછી આવશે? ત્યારે વલ્લભભાઇ ભીની આંખે જવાબ આપે છે, કે તારી બા ક્યારેય પાછી નહીં આવે. બસ દીકરીને આ વચન આપ્યાં પછી વલ્લભભાઇ કરીને બતાવે છે, કે તેમણે તેમની બાકીની જિંદગીમાં ક્યારેય કોઈ સ્ત્રી પાત્રને સ્થાન આપ્યું નથી. એમનાં બાળકોને ક્યારેય અન્યાય ન થવા દીધો એ લોખંડી પુરુષ. 

    આમ દરેક ભારતીયનાં હ્ર્દયમાં વસેલા, દેશની એકતા અને અખંડિતતાનાં શિલ્પી, રાષ્ટ્ર ગૌરવ એવાં લોખંડી પુરુષ સરદાર પટેલના જીવનની ક્ષણ ક્ષણ ભારત માતા માટે સમર્પિત રહી છે. તેઓનું જીવન હંમેશા આપણાં માટે પ્રેરણાદાયી રહેશે. જેમનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વાદળો સાથે વાતો કરે છે એવાં મુઠ્ઠી ઊંચેરા માનવીનાં ચરણોમાં કોટી કોટી વંદન…..

 લેખક – “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

હું આશા રાખું છું કે તમને અમારો sardar vallabhbhai patel essay in gujarati (સરદાર પટેલ ના વિચારો નિબંધ)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment